નિત્ય સહાયક જ્યોત માર્ચ 2023
પૈસો, પુણ્ય અને પરમેશ્વર
● વ્યાખ્યા...
● પૈસો...
પૈસો એ માણસની આધુનિક જગતની લેવડ દેવડ અને વ્યવહારો માટેની શોધ છે. એના સ્વરૂપોમાં સમય પ્રમાણે પરિવર્તન આવતાં ગયાં છે. પરંતુ પૈસા માટેની લોભ લાલસા અને એને પામવાની ઉત્કંઠ ઉત્સુકતા આજે પણ પહેલાંના જેવી જ અને અકબંધ છે. પૈસો જીવન જીવવા માટે જરૂરી છે.પૈસાનો વિવેક પૂર્ણ ઉપયોગ માનવીને સુખનો અનુભવ કરાવી શકે છે.
● પુણ્ય...
પુણ્ય એ માનવના કાર્યો અને ગુણો આધારિત તકનું સર્જન છે. માણસ દ્વારા માણસના કલ્યાણ માટે થયેલું કાર્ય પુણ્ય મેળવી આપે છે. માણસના કર્મોના સારા, ઈચ્છનીય અને પરોપકારી પરિણામને આધારે એને પુણ્યનું લેબલ લાગે છે.પુણ્યનો મહિમા અનેરો છે. એ યુગ યુગથી ચાલ્યો આવે છે. પુણ્ય અને પૈસાને સીધો સંબંધ છે. પાપથી કમાયેલો પૈસો પણ પુણ્ય કમાવી આપે છે. જો કે પુણ્ય મેળવવા પૈસો એકમાત્ર સાધન નથી.
● પરમેશ્વર...
પરમેશ્વર એટલે વિશ્વ વિધાતા, સૃષ્ટિના સર્જનહાર, આપણા રક્ષક અને આપણને જીવાડનાર. પરમેશ્વરના નામ અને સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. પૈસો આપનાર પરમેશ્વર જ છે. માણસના પુણ્યો માણસને પરમેશ્વર નજીક રાખે છે અથવા લઈ જાય છે.પુણ્યનો સંબંધ પૈસા સાથે હોવાથી પૈસાથી માણસને પરમેશ્વર નજીક લઈ જઈ શકે છે.
● પૈસા અને પુણ્યનો સંબંધ...
પ્રસ્તાવનામાં જોયું એમ પૈસો આ જગત અને જીવનનું શ્રેષ્ઠતમ પરિબળ માનવામાં આવે છે. એની તાકાતને ગજબની માનવામાં આવે છે.એનાથી પ્રભાવિત લોકો એને પરમેશ્વર જ માની લે છે. પૈસો કમાવવો પણ અઘરો છે. પૈસા કમાવવા મહેનત પણ માંગી લે છે. પૈસા કમાવાની સારી અને સાચી રીતને બદલે અમુક લોકો ખરાબ અને ટુંકી રીતો અખત્યાર કરતાં હોય છે. પૈસા કમાયા બાદ એનો ભોગવટો અને ઉપયોગ જીવનમાં મહત્ત્વપૂર્ણ હોય છે. પૈસાનું અભિમાન માણસને પરમેશ્વરથી વિમુખ કરે છે. પૈસાનો પોતાના માટે સદુપયોગ અને અન્યો માટે સેવાભાવથી વાપરવાની રીત પુણ્ય કમાવી આપે છે. કેટલાંક લોકો પૈસા કમાવા પાપ પણ આચરતાં હોય છે.આવાં લોકો એ પૈસાથી પુણ્ય કમાવાનો અવસર પ્રાપ્ત કરી શકે છે. આમ પૈસા અને પુણ્યનો સીધો સંબંધ પૈસાની ઉપયોગશીલતા થકી પૈસાની મહત્તા સાબિત કરે છે.
● પુણ્ય અને પરમેશ્વરનો સંબંધ...
પુણ્ય અને પરમેશ્વરનો પણ સીધો સંબંધ છે. જેમ પૈસાથી પુણ્ય કમાઇ શકે છે એમ પુણ્યથી પરમેશ્વરની નજીક પહોંચી શકાય છે. પુણ્યનો સરવાળો પરમેશ્વરની નજીક લઈ જાય છે. પુણ્ય કરવાથી પરમેશ્વરના પરમ આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. પૈસો ભલે ગમે તે રીતે કમાયેલો હોય એનો વિવેક ઈલેકશન ઉપયોગ પુણ્ય કમાવી આપે છે જે માણસને પરમેશ્વરની સમીપ પહોંચાડે છે. એના થકી પ્રાપ્ત પુણ્ય પરમેશ્વરના સામ્રાજ્યની અનુભૂતિ કરાવીને એક પ્રકારનો ઈશ્વરીય આનંદ કરાવે છે. લોકોની માન્યતા મુજબ પુણ્યશાળી લોકો સ્વર્ગમાં પ્રવેશ પામે છે. અને જો આપણી શ્રદ્ધા અને માન્યતા મુજબ એમ થતું હોય તો પુણ્ય પરમેશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે અને આમ પુણ્ય પરમેશ્વરના સાનિધ્યનો અનુભવ કરાવતું હોવાથી આ બન્નેનો પરસ્પર સંબંધ સિદ્ધ થાય છે.
● ત્રણેનો પરસ્પરનો સંબંધ...
આમ જોતાં પૈસો, પુણ્ય અને પરમેશ્વર એકબીજાં સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. પૈસાથી પુણ્ય મેળવી શકાય છે અને પુણ્યથી પરમેશ્વર પામી શકાય છે. પુણ્ય કમાવાના પૈસા ઉપરાંત બીજાં ઘણાં રસ્તાઓ અને સાધનો છે.એની આપણે ફરી ક્યારેક વાત કરીશું. પણ પૈસાની તાકાત અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેટલી જ પુણ્ય કમાવાને નિમિત્ત બને છે. એજ પ્રમાણે પુણ્ય પણ પરમેશ્વર સાથેના સંબંધ અને નજીકપણાં માટે નિમિત્ત બને છે. આમ આ ત્રણેય એક બીજાના પૂરક અને પ્રેરકબળ બને છે. અને એટલે આ ત્રણની બાબતમાં આપણે સાવધ અને સાવચેત રહીને વિવેક પૂર્ણ ઉપયોગ કરતાં રહેવાનું છે.
તપઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આપણ સૌને પ્રાપ્ત પૈસાથી આપણે વધુને વધુ પુણ્ય કમાઈએ અને પરમેશ્વરની વધુને વધુ નજીક જઈ ઈશ્વરીય આનંદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનીએ એવી શુભેચ્છાઓ....
જયંતીભાઈ આઈ.પરમાર “નિર્દોષી”
Comments
Post a Comment